JavaScript is required

તથ્ય પત્રિકા - નાઝી ચિહ્નો અને ચેષ્ટાઓ પર પ્રતિબંધ (Ban of Nazi symbols and gestures factsheet) - Gujarati

પૃષ્ઠભૂમિ

વિક્ટોરિયાની સરકારે, લોકોને જાહેરમાં નાઝી પક્ષ દ્વારા ઉપયોગમાં લેવાયેલ ચિહ્નો અને ચેષ્ટાઓ દર્શાવતાં કે કરતાં અટકાવવા, નવા કાયદા લાગુ પાડ્યા છે.

હાકેનક્રુઝ (વાળેલો કે આંકડાની જેમ વાળેલો ક્રોસ) - 20th શતાબ્દીની શરૂઆતથી મધ્યભાગ સુધી જર્મનીમાં નાઝી પક્ષ અને ત્રીજા રયશ દ્વારા ઉપયોગમાં લેવાયેલ સૌથી વધુ પ્રચલિત ચિહ્ન, કે જે નાઝી પક્ષનાં માનવતા વિરુદ્ધના ગુનાઓ સાથે સંકળાયેલ છે, દર્શાવવો તો ફોજદારી ગુનો છે જ.

નવા કાયદાઓ, નાઝી સલામી સહિતના વધારાનાં નાઝી ચિહ્નો અને ચેષ્ટાઓના જાહેરમાં ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકીને હાલ કરતાં વધુ ગુનાહીત પ્રવૃત્તિઓને આવરે છે.

આવા પ્રદર્શનો વિક્ટોરિયાના સમુદાયનાં સભ્યોને હાનિ પહોંચાડે છે, અને તે અસ્વિકાર્ય છે. આ પ્રતિબંધ સ્પષ્ટ સંદેશ આપે છે કે, વિક્ટોરિયામાં નાઝી વિચારધારા અને તેના દ્વારા દર્શાવવામાં આવતાં દ્વેષને સહન કરવામાં આવતાં નથી.

આ ગુનામાં કેટલાક અપવાદો છે. આમાં જો પ્રદર્શન વાજબી રીતે અને વાસ્તવિક વિદ્યાલક્ષી, ધાર્મિક, કલાત્મક અથવા શૈક્ષણિક હેતુઓ માટે સદ્ભાવનાથી કરવામાં આવ્યું હોય તો, તેનો સમાવેશ થાય છે.

બૌદ્ધ, હિન્દુ, જૈન અને અન્ય ધર્મ સમુદાયો માટે સ્વસ્તિકના સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્ત્વને માન્યતા આપતા હાલના અપવાદો અમલમાં રહેશે. આ સમુદાયો માટે, સ્વસ્તિક (જેને કદાચ ભૂલમાં નાઝી હાકેનક્રુઝ તરીકે ઓળખવામાં આવી શકે છે) શાંતિ અને સૌભાગ્યનું એક પ્રાચિન અને પવિત્ર પ્રતીક છે.

1. ગુનો શું છે?

વ્યક્તિ ફોજદારી ગુનો કરે છે, જો તેઓ:

  • નાઝી પક્ષ દ્વારા ઉપયોગમાં લેવાયેલ પ્રતીક અથવા ચેષ્ટાને ઇરાદાપૂર્વક જાહેર સ્થળે અથવા જાહેર જનતાને દેખાય તેવી રીતે પ્રદર્શિત અથવા રજૂ કરે છે, અને
  • જાણે છે, અથવા વ્યાજબી રીતે જાણતાં હોવા જોઇએ, કે તે પ્રતીક અથવા ચેષ્ટા એ નાઝી પ્રતીક અથવા ચેષ્ટા છે.

2. આ ગુનો કરવા બદલ શું દંડ છે?

જે વ્યક્તિ આ ગુનો કરે છે તેને, $23,000નો દંડ, 12 મહિનાની જેલ અથવા બંનેનો સામનો કરવો પડી શકે છે.

3. કયા નાઝી પ્રતીકો અને ચેષ્ટાઓ પર પ્રતિબંધ છે?

હાકેનક્રુઝ અને નાઝી સલામ એ નાઝી પક્ષ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા સૌથી વ્યાપક રીતે જાણીતાં પ્રતીક અને ચેષ્ટા છે. તેમનો ઉપયોગ વિક્ટોરિયાના સમુદાયના સભ્યો પ્રત્યે નફરત ભડકાવવા માટે થાય છે, જેના કારણે તેમના પર સ્પષ્ટ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

નાઝી પક્ષ અને તેની સાથે સંકળાયેલા અર્ધલશ્કરી દળો દ્વારા ઉપયોગમાં લેવાતા અન્ય પ્રતીકો અને ચેષ્ટા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કેમ કે તે નાઝી પ્રતીક અને ચેષ્ટાને ખૂબ મળતા આવે છે.

નાઝી પક્ષ એટલે નેશનલ સોશિયાલિસ્ટ જર્મન વર્કર્સ પાર્ટી (એનએસડીએપી) જે 1920થી 1945 સુધી સક્રિય હતી. નાઝી પક્ષમાં તેના અર્ધલશ્કરી દળો જેવા કે, એસએ (સ્ટર્માબ્ટેલિંન્ગ), એસએસ (શુત્ઝસ્ટાફલ), એનએસકેકે (નેશનલ સોશિયાલિસ્ટ મોટર કોર્પ્સ) અને એનએસએફકે (નેશનલ સોશિયાલિસ્ટ ફ્લાયર્સ કોર્પ્સ).

આખરે, કયા ચોક્કસ પ્રતીકો અને ચેષ્ટા પ્રતિબંધના દાયરામાં છે તેનો નિર્ણય અદાલત લેશે. જો કે, નવા કાયદાઓનો હેતુ નાઝી પક્ષ અને તેના અર્ધલશ્કરી દળો દ્વારા ઉપયોગમાં લેવામાં

વેલા ધ્વજ, પ્રતીકચિહ્ન અને ચંદ્રકો કબજે કરવાનો છે, જેમાં સામેલ છે:

  • એસએસ બોલ્ટ (બેવડી વીજળીનું) ચિહ્ન (સિગ રુન્સ)
  • ટોટેન્કોફ (અથવા નાઝી ખોપડી) જેનો ઉપયોગ પણ એસએસ દ્વારા કરવામાં આવતો હતો
  • એસએ, એનએસકેકે અને એનએસએફકેનાં અન્ય ચિહ્નો.

4. શું તેમાં કોઇ અપવાદો છે?

આ ગુનામાં ઘણાં અપવાદો છે, જે સ્વીકારે છે કે નાઝી પ્રતીકો અને ચેષ્ટાઓ વાસ્તવિક હેતુઓ માટે પ્રદર્શિત કરવામાં અથવા તેમનો પ્રયોગ કરવામાં આવી શકે છે.

જો કોઇ વ્યક્તિ નીચેના કારણોસર વાજબી રીતે અને સદ્ભાવનાથી નાઝી પ્રતીક અથવા ચેષ્ટા પ્રદર્શિત કરે અથવા તેનો ઉપયોગ કરે, તો તે ગુનો કરી રહી નથી:

  • સાચા વિદ્યાલક્ષી, કલાત્મક, શૈક્ષણિક અથવા વૈજ્ઞાનિક હેતુ માટે, અથવા
  • કોઇ પણ ઘટના અથવા જાહેર હિતની બાબતનો વાજબી અને સચોટ અહેવાલ બનાવવા અથવા પ્રકાશિત કરવામાં.

ઉદાહરણ તરીકે, જ્યારે કોઇ વ્યક્તિ નાટ્યમંચ પર અભિનયની અંદર નાઝી સલામી આપે છે અથવા જ્યારે એક શિક્ષક એક ફિલ્મ બતાવે છે, જેમાં એસએસ પ્રતીક ઇતિહાસના વર્ગના ભાગરૂપે જોઇ શકાય છે.

જો લોકો નીચે મુજબ પ્રદર્શિત કરતાં હોય તો પણ તેઓ ગુનો કરી રહ્યાં નથી:

  • વાસ્તવિક સાંસ્કૃતિક અથવા ધાર્મિક હેતુઓ માટે નાઝી પ્રતીક. આ સુનિશ્ચિત કરે છે કે કેટલાક ધર્મો પવિત્ર સ્વસ્તિકનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકે છે.
  • નાઝીવાદ અથવા સંબંધિત વિચારધારાઓનાં વિરોધમાં નાઝી પ્રતીક અથવા ચેષ્ટા.

ઉદાહરણ તરીકે, કોઇ વ્યક્તિ નાઝી જર્મનીનો એક ધ્વજ તેના પર ચિતરામણ સાથે પ્રદર્શિત કરે છે, અથવા કોઇ વ્યક્તિ એલજીબીટીઆઇક્યુ+ સમુદાયો દ્વારા ઉપયોગમાં લેવાતા ગુલાબી ત્રિકોણને પ્રદર્શિત કરે છે.

નાઝી પ્રતીકો અથવા ચેષ્ટાના ટેટૂ આ પ્રતિબંધ દ્વારા આવરી લેવામાં આવ્યા નથી.

કાયદાના અમલીકરણ અથવા ન્યાય હેતુઓના વહીવટ માટે પણ અપવાદો છે.

5. શું ધાર્મિક અને સાંસ્કૃતિક સ્વસ્તિકના જાહેર પ્રદર્શન પર પ્રતિબંધ છે?

આ ગુનો સાંસ્કૃતિક અને ધાર્મિક હેતુઓ માટે સ્વસ્તિક (જેને ભૂલથી હાકેનક્રુઝ માની શકાય છે)ના પ્રદર્શન પર પ્રતિબંધ મૂકતો નથી.

ઉદાહરણ તરીકે:

  • હિન્દુ ધર્મની વ્યક્તિ શુભકામનાઓનાં પ્રતીકરૂપે તેમની દુકાનની આગળની બારીમાં સ્વસ્તિક પ્રદર્શિત કરે છે.
  • જૈન ધર્મની વ્યક્તિ પોતાના નવા વાહનનો ઉપયોગ કરતાં પહેલાં સદ્ભાગ્યના પ્રતીક તરીકે તેના પર સ્વસ્તિક દોરે છે.
  • બૌદ્ધ ધર્મની વ્યક્તિ બૌદ્ધ મંદિરમાં સૌભાગ્યના પ્રતીક રૂપે છાતી પર સ્વસ્તિક સાથેનાં બુદ્ધની શિલ્પકૃતિનું પ્રદર્શન કરે છે.

ધાર્મિક અને સાંસ્કૃતિક સ્વસ્તિકના મૂળ વિશે જાગૃતિ લાવવા; બૌદ્ધ, હિન્દુ અને જૈન સમુદાયો માટે તેના મહત્વને સમજાવવા; અને તે નાઝી હાકેનક્રુઝથી કેવી રીતે અલગ પડે છે તે સમજાવવા માટે સામુદાયિક શિક્ષણ અભિયાન પૂરું પાડવાની સરકારની પ્રતિબદ્ધતાને અનુરૂપ વધુ માહિતી માટે કૃપા કરીને [ડીએફએફએચ તથ્ય પત્રિકા] જુઓ.

6. શું ઓનલાઇન પ્રદર્શિત થતાં નાઝી પ્રતીકો અને ચેષ્ટાઓ પર પ્રતિબંધ છે?

કાયદામાં ફક્ત જાહેર સ્થળો પર દેખાતાં નાઝી પ્રતીકો અને ચેષ્ટાઓને આવરી લેવામાં આવ્યા છે, ઓનલાઇન નહીં.

જો તમને નાઝી પ્રતીક અથવા ચેષ્ટા ઓનલાઇન પ્રદર્શિત થતાં દેખાય તો, તમારે બિન-તાકીદની બાબતો માટે પોલીસ સહાય સેવા (131 444) દ્વારા વિક્ટોરિયા પોલીસનો સંપર્ક કરવો જોઇએ.

ગંભીર સાયબર દુરૂપયોગની સામગ્રીને ઊતરાવી લેવાની વિનંતી કરવા માટે તમે ઇસેફ્ટી કમિશનરને પ્રદર્શનની જાણ પણ કરી શકો છો.

7. જો હું નાઝી પ્રતીક અથવા ચેષ્ટા પ્રદર્શિત અથવા પ્રયોગ કરવા વિશે અચોક્કસ હોઉં તો શું?

જો તમે નાઝી પ્રતીકો અથવા ચેષ્ટાના જાહેર પ્રદર્શન અથવા પ્રયોગને મંજૂરી છે કે કેમ તે વિશે અચોક્કસ હોવ, તો તમારે સ્વતંત્ર કાનૂની સલાહ લેવી જોઇએ.

વિક્ટોરિયન લીગલ એઇડ વિવિધ બાબતો પર નિઃશુલ્ક કાનૂની સલાહ પૂરી પાડે છે. તેમની વેબસાઇટ www.legalaid.vic.gov.au/contact-us દ્વારા તેમનો સંપર્ક કરો.

તમે વિક્ટોરિયન લીગલ એઇડની કાનૂની સહાય ફોન સેવા 1300 792 387 પરથી આ કાયદા વિશે નિઃશુલ્ક માહિતી પણ મેળવી શકો છો. આ ફોન સેવા સોમથી શુક્રમાં સવારનાં 8 અને સાંજના 6ની વચ્ચે ઉપલબ્ધ છે.

લૉ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિક્ટોરિયા (એલઆઇવી) લીગલ રેફરલ સર્વિસ, સ્વતંત્ર કાનૂની સલાહ પૂરી પાડવા માટે એક નિષ્ણાત વકીલને શોધવામાં મદદ કરી શકે છે.

તે www.liv.asn.au/referral પરથી અથવા (03) 9607 9550 પરથી મેળવી શકાય છે. પ્રારંભિક પરામર્શ નિઃશુલ્ક હોય છે.

8. વિક્ટોરિયા પોલીસ પાસે ગુનો લાગુ કરવા માટે શું સત્તા છે?

પોલીસ જાહેરમાં નાઝી પ્રતીક અથવા ચેષ્ટાનું પ્રદર્શન અથવા પ્રયોગ કરી રહેલ વ્યક્તિની ધરપકડ કરી શકે છે અને તેના પર આરોપ લગાવી શકે છે.
પોલીસ નીચે મુજબ પણ કરી શકે છે:

  • જો તેમને વાજબી રીતે લાગે કે વ્યક્તિ ગુનો કરી રહી છે તો, જે તે વ્યક્તિને નાઝી પ્રતીક અથવા ચેષ્ટાને જાહેર પ્રદર્શનથી દૂર કરવા નિર્દેશ આપી શકે છે
  • સંપત્તિના માલિક અથવા કબજેદારને નાઝી પ્રતીક અથવા ચેષ્ટાને જાહેર પ્રદર્શનથી દૂર કરવા નિર્દેશ આપી શકે છે
  • નાઝી પ્રતીક અથવા ચેષ્ટાને જાહેર પ્રદર્શનથી દૂર કરવાના નિર્દેશનું પાલન ન કરનાર વ્યક્તિ પર આરોપ લગાવી શકે છે. દંડ આશરે $1,900 અથવા ૧૦ પેનલ્ટી યુનિટ છે.
    પોલીસ, નાઝી પ્રતીક અથવા ચેષ્ટાનું પ્રદર્શન થતું હોય તેવા પરિસરની તલાશી લેવા અને સંપત્તિ કબજે કરવા માટે મેજિસ્ટ્રેટની અદાલતમાં વોરંટ માટે અરજી પણ કરી શકે છે.

9. હું ગુનાની જાણ કેવી રીતે કરું?

જો તમે નાઝી પ્રતીક અથવા ચેષ્ટાનું પ્રદર્શન અથવા પ્રયોગની જાણ પોલીસને કરવા માંગતાં હોવ તો, કૃપા કરીને તમારા સ્થાનિક પોલીસ મથકનો સંપર્ક કરો અથવા ક્રાઇમ સ્ટોપર્સને 1800 333 000 પર ફોન કરો.

જો તાત્કાલિક જોખમની જાણ કરવાની હોય તો, કૃપા કરીને ત્રણ શૂન્ય (૦૦૦) પર ફોન કરો.

Ban of Nazi symbols and gestures factsheet - Gujarati
Word 194.26 KB
(opens in a new window)

Updated