કિન્ડર કીટ વિશે
બાળકો માટે, રમત અને શિક્ષણ એક સાથે જ થાય છે. બાળકો પોતાના વિશે અને તેમની આસપાસના વિશ્વ વિશે રમતો થકી જાણે છે અને શીખે છે. માતાપિતા, સંભાળકર્તાઓ અને પરિવારો આ સફરનો બહળો ભાગ છે. તમારા બાળકની કિન્ડર કીટમાંની દરેક વસ્તુ એક પરિવાર તરીકે ઉપયોગમાં લેવા અને આનંદ માટે બનાવવામાં આવી છે.
કિન્ડરગાર્ટનમાં, વિક્ટોરિયન અર્લી યર્સ લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ ફ્રેમવર્ક (Victorian Early Years Learning and Development Framework, VEYLDF) નો ઉપયોગ શિક્ષણના અનુભવો મેળવવા માટે થાય છે, જે તમારા બાળકને શિક્ષણ અને વિકાસના પાંચ પરિણામોનો વિકાસ અને વૃદ્ધિ કરવામાં મદદ કરે છે. આ પાંચ પરિણામો છે:
- ઓળખ
- શિક્ષણ
- સમુદાય
- સંચાર
- સુખાકારી
પ્રવૃત્તિ બોક્સ
પ્રવૃત્તિ બોક્સ ફક્ત પુસ્તકો અને રમકડાં ભરીને લઇ જવાની પેટી નથી. તેનો ઉપયોગ ઘણી રીતે શિક્ષણ અને વિકાસને ટેકો આપવા માટે થઈ શકે છે.
- મિત્રો અને પરિવાર સાથે પિકનિક અથવા ફરવા જતી વખતે પ્રવૃત્તિ બોક્સ લઇ જાઓ
- રમવાની માટીની સાદડી
- નાટક માટેનું ઉપકરણ
શું તમે જાણો છો? કીટ પ્રવૃત્તિ બોક્સ પર્યાવરણને અનુકૂળ ઉત્પાદન તરીકે ડિઝાઇન કરવામાં આવી છે. તે જ્યાં શક્ય હોય ત્યાં રિસાયકલ કરેલી સામગ્રીથી બનેલું છે અને તમારા બાળકના ખજાનાને સંગ્રહિત કરવા માટે ફરીથી વાપરી શકાય છે. કિટને વાળીને ઘોડી બનાવો અથવા કિટને સપાટ કરીને મૂકો જેથી લીલી સપાટીને કલ્પનાત્મક રમત માટે વાપરી શકાય.
ચોક, પાટીયું અને ડસ્ટર
ચોકથી લખવાનું પાટીયું અને ચોક, સર્જનાત્મકતા માટે અને બાળકો ચોક પકડીને દોરે તેનાથી તેમનાં સૂક્ષ્મ સ્નાયુઓનો વિકાસ થાય તે માટે ઉત્તમ છે. ચોકથી લખવાનાં પાટીયાનો ઉપયોગ ચોકથી દોરવાની સ્લેટ તરીકે અને રમવાની માટીથી આકારો બનાવવા માટે પણ ઉપયોગમાં લઇ શકાય છે.
- ખુલ્લી જગ્યા શોધો અને તમારી આજુબાજુ જે દેખાય તે દોરો
- ચોકનો ઉપયોગ કરીને તમારી કલ્પનાનું વિશ્વ દોરો
- તમારું નામ લખવાનો મહાવરો કરો
- ડસ્ટર પરનાં કોઆલાનો ઉપયોગ કરીને છાપથી કલાકૃતિ બનાવો. કોઆલાને કોઇ કાગળની નીચે મુકો અને ચોકથી હળવું ઘસો
શું તમે જાણો છો? ચોક ભૂંસવાનું ડસ્ટર ઓસ્ટ્રેલિયાનાં નાણાં બનાવતાં વધેલા પ્લાસ્ટીકનો ફરી ઉપયોગ કરીને બનાવેલું છે.
બીજ
બાળકો સાથે બીજ રોપવા એ વિજ્ઞાન આધારિત, સમૃદ્ધ શિક્ષણનો અનુભવ છે જેનાથી તેમને કુદરતી વિશ્વની અજાયબી જોવા મળે છે. તેઓ પ્રકૃતિ વિશે, ભાષા અને સરળ સૂચનાઓનું પાલન કરવાનું શીખશે. તેઓ આગળ જતાં વસ્તુઓનું અવલોકન કેવી રીતે કરવું તે પણ શીખશે.
- છોડ વિશે વાત કરો અને તેમના ભાગોના નામ આપો
- તેમને સાથે મળીને વાવો
- છોડનાં જીવનચક્ર વિશે જાણો
- દુકાનોમાં ફળો અને શાકભાજીનાં નામ બોલો
શું તમે જાણો છો? આલ્ફાલ્ફા એ વટાણાના પરિવારનું એક ફળ છે અને તે વિટામિન અને ખનિજોથી સમૃદ્ધ છે. જ્યારે છોડના પાંદડાને નુકસાન થાય છે ત્યારે તે ભમરીને સંકેત મોકલે છે, જે તેમને ફરીથી પુષ્પપરાગથી ફલિત કરવામાં સહાયતા માટે કહે છે. તમે તેનો ઉપયોગ રસોઇમાં પણ કરી શકો છો!
પ્રાણીઓ પરોવો
પ્રારંભિક બાળપણમાં બાળકો તેમનાં હાથ, આંગળીઓ, કાંડાઓ, પંજા અને પગનાં આંગળાઓનાં સૂક્ષ્મ સ્નાયુઓ પર વધુ કાબુ મેળવવાનું શરૂ કરે છે. બાળકોનાં સ્વસંભાળ અને પછી લેખન માટે હાથ અને આંગળીઓમાં સૂક્ષ્મ હલનચલન કરતાં સ્નાયુઓનો વિકાસ થવો મહત્વપૂર્ણ છે. તમારું બાળક રમવાની માટી, મીણીયાં ચોક અથવા પ્રાણીઓ પરોવીને તેમનું સૂક્ષ્મ હલનચલનનું કૌશલ્ય વિકસાવી શકે છે. સૂક્ષ્મ હલનચલનનાં કૌશલ્યોનો મહાવરો તમે નીચેની રીતોથી કરી શકો છો:
- પ્રાણીના છિદ્રોમાં દોરી પરોવો.
- પ્રવૃત્તિ ખોખું ખોલો અને બંધ કરો
- ચેઇન અથવા બટનો બંધ કરવાની પ્રેક્ટિસ કરો
- આંગળા અને હથેળીથી રમવાની માટીનાં લુવા વણો
શું તમે જાણો છો? આશરે 3000 ઈ.સ. પુર્વેથી ચામડાને પગમાં બાંધવા માટે દોરીનો ઉપયોગ કરવામાં આવે છે.
ઓસ્ટ્રેલિયાના નક્શાનો કોયડો
સરળ કોયડાઓ તમારા બાળકને ધીરજ, એકાગ્રતા, મૂંઝવણોનો ઉકેલ લાવવાની ક્ષમતા અને સૂક્ષ્મ હલનચલનનાં કૌશલ્યો વિકસાવવામાં મદદ કરે છે. જ્યારે તમારું બાળક કોયડો ઉકેલવા કામ કરતું હોય છે ત્યારે તે પસંદગીઓ કરે છે, આકારો આળખે છે અને તેમની યાદશક્તિનો ઉપયોગ કરે છે.
- કોયડો ઉકેલવા, પ્રયત્ન અને ભૂલ પદ્ધતિના ઉપયોગથી શારીરિક અને માનસિક સ્થિતિસ્થાપકતાનો મહાવરો કરો
- આ પ્રાણીઓ વિશે વાત કરો
- વારા લો
- બાળકોને આકારો વિશે અને શું તે એકબીજા સાથે બંધ બેસે છે કે કેમ તે વિશે વાત કરવા પ્રોત્સાહિત કરો
શું તમે જાણો છો? વિશ્વમાં ફક્ત એચિડના અને પ્લેટીપસ જ એવા સસ્તન પ્રાણીઓ છે જે ઇંડા મૂકે છે.
મીણીયાં ચોક (ક્રેયોન્સ) અને ચિત્રપોથી (આર્ટ પેડ)
ક્રેયોન્સથી ચિત્રકામ, એ શિક્ષણની ઘણી રીતો પૂરી પાડે છે:
- પેન્સિલ પકડવા જેવા સૂક્ષ્મ સ્નાયુઓનાં હલનચલન (મોટર) કૌશલ્યમાં સુધારો
- હાથ-આંખનો સુમેળ
- રંગ અને આકાર વિશે શીખવું
- કાગળ અને અન્ય સામગ્રી વડે સર્જનાત્મકતા વ્યક્ત કરવી.
સૌથી અગત્યનું એ છે કે, બાળકો પોતાને સુરક્ષિત અને વિશ્વાસપૂર્વક રીતે વ્યક્ત કરવાનું શીખશે. અમુક બાળકો એવા ચિત્રો બનાવે કે જેને તમે સમજી ન શકો, પણ તેમાં વાંધો નથી. દોરતાં અને લખતાં શીખવાની આ કુદરતી પ્રક્રિયા છે.
- વિચારોના સંકેત માટે આર્ટ પેડનો ઉપયોગ કરો
- કૌટુંબિક ચિત્રકામનાં અનુભવોને પ્રોત્સાહિત કરો
- જે દોરો તે અંગે વાત કરો
- રંગો અને આકારોને નામ આપો
શું તમે જાણો છો? ક્રેયોન્સ, વિક્ટોરિયાની મધમાખીઓએ બનાવેલા મધપૂડામાંથી મળતાં મધમાખીનાં મીણનાં બનેલા છે. જ્યારે મધમાખીઓ બગીચામાં હોય છે અને તેમના પરિવાર માટે કંઈક મહત્વપૂર્ણ મળે છે, ત્યારે તેઓ મધપૂડામાં પરત ફરે છે અને થોડુંક નૃત્ય કરે છે.
શેપ શેકર્સ
બાળકો માટે નવા શબ્દો શીખવા, ગીતો ગાવા, ગણતરી કેવી રીતે કરવી તે શીખવું અને તેમને પોતાને સારું લાગે તે શીખવા માટે સંગીત એક મનોરંજક રીત છે. નાચવું, ગાવું, ઝૂમવું અને ઊછળવું એ દરેક મનોરંજનનો ભાગ છે. તમારા બાળક સાથે સંગીત માણવા માટે અહીં કેટલાક વિચારો આપ્યા છે:
- જુદાં-જુદાં જોડકણાં બનાવવા પ્રયત્ન કરો
- તમારાં મનપસંદ ગીતો પર નાચો અને ઝૂમો
- સંગીતનાં તાલ ગણો
- તમારાં બાળકનું શબ્દભંડોળ વધારવા ગીતો અને જોડકણાંઓનો ઉપયોગ કરો
શું તમે જાણો છો? ઘણી સંસ્કૃતિઓ દુષ્કાળના સમયમાં વરસાદ લાવવા માટે કાંકરા કે કઠોળ ભરેલી ભૂંગળીઓ (રેઇનસ્ટીક) નો ઉપયોગ એક સંગીત વાદ્ય તરીકે કરવાની માન્યતા ધરાવે છે.
રમત માટેનો લોટ (પ્લેડૉ)
જ્યારે તમારું બાળક નિર્માણ માટે પ્લેડૉનો ઉપયોગ કરે છે, ત્યારે તે ઘણી મહત્વપૂર્ણ વસ્તુઓ કરી રહ્યું છે:
- સૂક્ષ્મ હલનચલનનાં કૌશલ્યોમાં (ફાઇન મોટર સ્કિલ) સુધારો
- નિરીક્ષણ કરવા માટે તેમની ઇન્દ્રિયોનો ઉપયોગ
- તેમની કલ્પનાનો ઉપયોગ કરવો.
પ્લેડૉથી બનાવવું એ તમારા બાળક માટે શિક્ષણનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
- બોલને રોલ કરો, તેને પછાડો, તેને ફટકારો, તેને દબાવો
- ડસ્ટર પરનાં કોઆલાનો ઉપયોગ છાપ તરીકે કરો
- અન્ય વસ્તુઓ ઉમેરો જેમ કે લાકડીઓ અથવા પીંછાઓ અથવા છીપલાં
- તમે જે મેળવી શકો તેનાથી નમૂના બનાવો
શું તમે જાણો છો? પ્લેડૉ ઘરે બનાવવું સરળ છે અને ઇન્ટરનેટ પર ઘણી બધી પદ્ધતિઓ ઉપલ્બ્ધ છે. પ્રારંભિક ગણિતથી લઈને પ્રારંભિક વિજ્ઞાન જેવુ ઘણું બધું શીખવવા માટે, તમારો પોતાનો પ્લેડૉ સાથે મળીને બનાવવો એ એક આનંદ સાથે શિક્ષણની પ્રવૃત્તિ છે.
બાળકોનાં પુસ્તકો
સાથે મળીને પુસ્તકો વાંચવા એ એક પરિવાર તરીકે જોડેયેલા રહેવા અને સમય વિતાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. સાક્ષરતા વિકાસને ટેકો આપવા માટે તે સૌથી મહત્વપૂર્ણ પદ્ધતિઓ પૈકી એક છે. તમારા બાળક સાથે નિયમિત વાર્તા-સમય પસાર કરવાથી તેમની કલ્પનાશક્તિ અને શબ્દભંડોળમાં વધારો થશે.
- સાથે મળીને પુસ્તક પસંદ કરો
- લંબાવીને બેસવા અને વાંચવા માટે આરામદાયક સ્થળ પસંદ કરો
- તેમને પાનાં ફેરવવા દો
- પાત્રો માટે જુદાં-જુદાં અવાજોનો ઉપયોગ કરો, ચિત્રો વિશે વાત કરો
શું તમે જાણો છો? એકના એક પુસ્તકો વારંવાર વાંચવા અને માત્ર વાર્તા પર ધ્યાન કેન્દ્રિત ન કરવું મહત્વપૂર્ણ છે. તમારા બાળકને તેઓ શું જુએ છે તે પૂછો, ચિત્રો વિશે વાત કરો અને પૂછો કે 'મને કુતુહાલ છે, કે આગળ શું થશે?’
આંગળીઓ પર કઠપૂતળીઓ
આંગળીથી બનાવેલ કઠપૂતળીઓ બાળકોને ભાષા પર પ્રભૂત્વ મેળવવામાં, ભાવનાઓ સમજવામાં અને તે બધાંનો નાટકમાં કેવી રીતે ઉપયોગ કરવો તે શીખવામાં મદદ કરે છે. વાર્તા કહેવી અને પાત્ર ભજવવું એ બાળકો વિશ્વની અને પોતાની સમજણ કેવી રીતે મેળવે છે તેનો એક અગત્યનો ભાગ છે.
- પ્રાણીઓનાં નામ અંગ્રેજીમાં અને અન્ય ભાષાઓમાં બોલો
- પાત્રો બનાવો
- વાર્તાઓ બનાવો
- કઠપૂતળીઓ ઘરની અંદર અને બહાર ઉપયોગમાં લો
શું તમે જાણો છો? તમે દરેક કઠપૂતળી માટે જુદો અવાજ કાઢી શકો છો, આમ કરવાથી સર્જનાત્મક રમતને માણવી વધુ મજેદાર બનશે.
રત્નો એકબીજા પર ગોઠવો (બેલેન્સીંગ જેમ્સ)
બેલેન્સીંગ જેમ્સથી સર્જનાત્મક રમતને પ્રોત્સાહન મળે છે. જ્યારે એકબીજા પર ગોઠવીને મીનારો બનાવવા માટે ઉપયોગમાં લેવા છે ત્યારે રત્નોનાં જુદાંજુદાં ખૂણાંઓ અને આકારો સમસ્યા-નિરાકરણ, અવકાશી જાગૃક્તા અને સૂક્ષ્મ હલનચલન કૌશલ્યોને પ્રોત્સાહન આપે છે.
- ફક્ત તેમનો જ ઉપયોગ કરીને અથવા અન્ય બ્લૉક અને ખોખાંઓ સાથે ભેગા કરીને બનાવો
- રત્નોને એકબીજા પર ગોઠવતી વખતે ધીરજ રાખો. જો તે પડી જાય તો, ૩ ઊંડા શ્વાસ લો અને ફરીથી પ્રયત્ન કરો
- રત્નોથી જુદી-જુદી દુનિયા બનાવવા તમારી કલ્પના શક્તિનો ઉપયોગ કરો
- આકાર, કદ અને રંગ માટે વર્ણનાત્મક ભાષા વાપરો
શું તમે જાણો છો? માણેક, પોખરાજ અને વિવિધરંગી અર્ધપારદર્શક પથ્થર જેવા રત્નો વિક્ટોરિયામાં મળી આવ્યા છે.
સમુદાયો બનાવવા
વિક્ટોરિયા એક વૈવિધ્યસભર સમુદાય છે, જે ઘણી સંસ્કૃતિઓ અને બોલાતી વિવિધ ભાષાઓનો પ્રદેશ છે. વિવિધતા, એ આપણે જે છીએ તે બનાવતો એક મોટો ભાગ છે. કીટની વસ્તુઓ વિવિધ સમુદાયો વિશેના સંચારને સમર્થન આપે છે. બાળકો માટે, રમત અને શિક્ષણ એક સાથે જ થાય છે. બાળકો રમતથી જ નવું જાણે છે અને પોતાના વિષે શીખે છે.
- અન્ય સંસ્કૃતિઓ અથવા તમારી પોતાની વાનગીઓ બનાવવાની નકલ કરવા માટે પ્લેડૉનો ઉપયોગ કરો
- બીજી સંસ્કૃતિઓ કે તમારું પોતાનું પરંપરાગત સંગીત સાંભળતી વખતે શેપ શેકર્સ ખખડાવો
- તમારા બાળક સાથે અન્ય દેશો અને તેમના મૂળ પ્રાણીઓ વિશે વાત કરો
શું તમે જાણો છો? અહિં તમે અનેક ભાષાઓમાં માર્ગદર્શિકા મેળવી શકો છો: vic.gov.au/kinder/translations(opens in a new window).
ઓસલાનમાં પુસ્તકો
2024 કિન્ડર કીટમાં સમાવિષ્ટ તમામ પુસ્તકોનાં ઓસલાનમાં અનુવાદો ઉપલબ્ધ છે. તમે પુસ્તકોના વિડીયોની લિંક મેળવવા માટે નીચેના QR કોડનો ઉપયોગ કરી શકો છો. વીડિયો સાથે ઓસલાન અને મથાળા (કૅપ્શનિંગ)નો પણ સમાવેશ થાય છે.
ઓસલાન, ઓસ્ટ્રેલિયાના મોટાભાગના બધિર સમુદાય દ્વારા ઉપયોગમાં લેવાતી સાંકેતિક ભાષા છે અને તે અમુક ચાર-વર્ષીય-કિન્ડરગાર્ટન્સમાં ઉપલબ્ધ વિક્ટોરિયાના પ્રારંભિક બાળપણની ભાષા કાર્યક્રમનો પણ એક ભાગ છે.
શિક્ષણ નિષ્ણાતોએ શોધી કાઢ્યું છે કે, નાની ઉંમરે બાળકોને અન્ય ભાષા શીખવવાથી ઘણા લાભ થાય છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- પૂર્વ-વાંચન અને પૂર્વ-લેખન કૌશલ્યમાં વધારો
- બોધપાઠની સુગમતા
- આત્મસન્માન અને સુખાકારીને પ્રોત્સાહન મળે છે
- સાંસ્કૃતિક ઓળખ દ્રઢ થાય છે.
ઓસલાન અને મથાળાં સહિત પુસ્તકોનાં વાંચનની વીડિયો જોવા આ લિંક પર ક્લિક કરો.
શું તમે જાણો છો? વિક્ટોરિયાની સરકાર, ભાગ લઇ રહેલ કિન્ડરોને ચાર-વર્ષીય કિન્ડર કાર્યક્રમનો કેટલોક ભાગ અન્ય ભાષામાં પૂરો પાડવા યોગ્યતા ધરાવતાં ભાષા શિક્ષકની નિયુક્તિ માટે, માતાપિતાને કોઇ વધારાના ખર્ચ વિના વધારાનું ભંડોળ આપે છે. અહી વધુ જાણો: vic.gov.au/early-childhood-language-program.
સુખાકારી અને વધારાની સહાય
બધા બાળકો જુદી રીતે અને પોતાની ઝડપે શીખે છે. કિન્ડર કીટ તમારા બાળકને પુસ્તકો અને રમકડાં પ્રદાન કરે છે જેનો ઉપયોગ દરેક ક્ષમતાઓને પડકાર આપવા માટે ઘણી અલગ રીતે કરી શકાય છે. જો તમને લાગતું હોય કે તમને કે તમારાં બાળકને વધુ સહાયની જરૂર પડી શકે છે તો, મદદ મેળવવાની ઘણી રીતો છે:
- વિક્ટોરિયાના કિન્ડરગાર્ટનના શિક્ષકો સહાયતા કરવા માટેની કુશળતા અને જ્ઞાન ધરાવે છે. તમારા પ્રશ્નો અંગે તમારા બાળકના શિક્ષક સાથે વાત કરો
- તમારા પ્રશ્નોની ચર્ચા કરવા માટે તમારા ડૉક્ટર અથવા માતૃ અને બાળ આરોગ્ય નર્સને મળવા માટે એપોઇન્ટમેન્ટ લો
- પેરન્ટલાઈનને ૧૩ ૨૨ ૮૯ પર નિઃશુલ્ક, ગોપનીય કાઉન્સેલિંગ અને સહાય માટે ફોન કરો
ટેકાની જરૂર છે? તમારા બાળક માટે કેવા પ્રકારનો ટેકો ઉપલબ્ધ હોઈ શકે છે તે વિશે વધુ જાણવા માટે અહી મુલાકાત લો: www.vic.gov.au/kindergarten-programs-and-initiatives. તમે, તમારા બાળક માટે યોગ્ય ટેકા માટે, વધારાના માર્ગદર્શન માટે તમારા કિન્ડર શિક્ષકને પણ કહી શકો છો.
ઓળખનો આદર કરવો
કુરી સંસ્કૃતિ, ઓસ્ટ્રેલિયાના ઇતિહાસનો અગત્યનો ભાગ છે. તમામ બાળકોને તમામ સંસ્કૃતિઓ વિશે શીખવા માટે પ્રોત્સાહિત કરવાથી સમજ, સ્વીકૃતિ અને ગૌરવમાં વધારો થાય છે. એબોરિજીનલ અને ટોરસ સ્ટ્રેટ આઇલેન્ડર સંસ્કૃતિઓ આજે જીવંત અને સમૃદ્ધ છે, અને કીટ્સમાં લેખકો અને કળાકારો તરીકે તેમનું સન્માન કરવાનો અમને ગર્વ છે. અહીં કેટલીક પ્રવૃત્તિઓ છે જે તમારા બાળકને કુરી પરંપરાઓ અને સંસ્કૃતિઓ વિશે વધુ જાણવામાં મદદ કરશે.
- વસ્તુઓ અથવા પ્રાણીઓ માટેના કુરી ચિન્હો જાણો
- કુરી નેતાઓ, રમતવીરો અથવા કળાકારો વિશે વાત કરો
- કુરી સંસ્કૃતિ અને લોકો વિશે વધુ જાણો
શું તમે જાણો છો? વિક્ટોરિયન એબોરિજીનલ એજ્યુકેશન એસોસિએશન ઇન્ક. વેબસાઇટ મનોરંજક, આકર્ષક પ્રવૃત્તિઓ ધરાવે છે જેથી કુરી પરંપરાઓ અને સંસ્કૃતિઓને સમજી શકાય છે. વેબસાઇટની મુલાકાત લો: vaeai.org.au.
એબોરિજીનલ ચિત્રકળા
ગુંડિત્ઝમારા મિરિંગ (દેશ)માં રાત્રિનો સમય છે. ચંદ્ર અને અનેક તારાઓ આકાશમાં ચમકી રહ્યા છે.
આખા મિરિંગમાં કેરાયન (કાંગારુ)ઓનાં પગલાં ફેલાયેલાં છે. ક્યારેક તમે કૂદકા મારતું કે ઘાસ ખાતું કેરાયન જોઇ શકો છો.
વીન્ગકીલ (કોઆલા) જાગે છે અને નદીનાં એક રેડ ગમ વૃક્ષની એક ડાળ પર બેઠું છે. આ વૃક્ષનો ઉપયોગ ઢાલ, હોડકાં અને કુલેમન (એબોરિજીનલ લોકોએ બનાવેલ લાકડાનાં ટોપલાં) બનાવવા થતો હતો.
ભૂમિ, આકાશ, પાણી અને પ્રાણીઓ મહત્વપૂર્ણ છે. તેમનો આદર કરવાનું યાદ રાખો.
નાકિયા કેડ એક ગુંડિત્ઝમારા, યોટા યોટા, જા જા વુરાંગ, બુનિત્જે, બુન વુરાંગ અને ટાંગુરંગ સ્ત્રી છે. નાકિયા માતા, કળાકાર અને ‘મોર ધેન લાઇન્સ’ નામનાં નાનાં ધંધાનાં માલિક છે અને કળા દ્વારા વાર્તાઓ પ્રસ્તુત કરવા અને તેને અન્યો સુધી પહોંચાડવાનો, બંનેનો જુસ્સો ધરાવે છે.
પૂછો: તું જ્યાં રહે છે, શીખે છે અને રમે છે તે ભૂમિનાં પરંપરાગત માલિકો કોણ છે? તું જ્યારે બહાર હોય છે ત્યારે તને શું દેખાય છે, શેની સુગંધ આવે છે અને શું સંભળાય છે?
Updated